સગપણ ની મથામણ
આજે માણસ અનેક પ્રશ્નોથી ઘેરાયેલો છે. ઘણું બધું છે પણ ખુશી નથી. આરોગ્ય, આર્થિક અને સામાજિક પ્રશ્નોને કારણે માણસ તણાવમાં જીવે છે.પ્રશ્નો અને પડકારો તો ઘણા છે પરંતુ અત્યારે દાંપત્યજીવનએ યુવાપેઢીનો સળગતો પ્રશ્ન છે. દરેક પરિવાર અને જ્ઞાતિ, સમાજમાં દીકરા દીકરીના વેવિશાળના પ્રશ્નો પેચીદા બનતા જાય છે. વેવિશાળ અને લગ્ન તૂટી જવાની ઘટનાઓ પણ વધી રહી છે. ઉંમરલાયક દીકરા કે દીકરીનું સગપણ કરવું મા બાપ માટે મુશ્કેલ થતું જાય છે. ૩૦ વર્ષ થઈ જાય તો પણ યોગ્ય પાત્ર મળતું નથી.જો આ રીતે સામાજિક પીડા ઊભી થશે તો પારિવારિક ખુશી નહીં રહે. આજે પ્રમાણમાં દીકરીઓની સંખ્યા ઓછી છે તેના કારણે ઘણા યુવાનોને યોગ્ય પાત્ર મળતું નથી. છતાં પણ ખૂબ મોટી સંખ્યામાં દીકરીઓની ઉંમર ૨૮ થી ૩૦ વર્ષે પહોંચી જાય છે. છતાં સગપણ થતું નથી તે બાબત ચિંતા નો વિષય છે. દીકરીઓને ભણાવીને નોકરી કે વ્યવસાયની છૂટ આપવાની જાગૃતિને કારણે બહેનો ભણતી થઈ છે. નોકરી વગેરે માટે પ્રયાસમાં ઉંમર વધી જાય છે. પછી સગપણ માટે પસંદગીનું મુરતિયો મળતો નથી. તે મોટી સમસ્યા ઊભી થઈ છે. વર્તમાન સમયે ઘણા સામાજિક પ્રશ્નો ઊભા થયા છે તેમાં સમયસર વેવિશાળ થતા નથી તે મોટી સમસ્યા બની છે. ખરેખર સમાજે વેવિશાળ અંગે ચર્ચાઓ કરી જાગૃતિ લાવવાની જરૂર છે. જો આમ નહીં થાય તો ગમે તેટલી સંપત્તિ હશે કે શિક્ષણ હશે તો પણ સામાજિક અને પારિવારિક સુખ મળી શકશે નહીં. એટલે ખૂબ ગંભીરતા સાથે આ અંગે શિક્ષિત યુવાઓએ જાગૃતિ કેળવવાનો સમય પાકી ગયો છે.
૧. યુવક યુવતીના સમયસર વેવિશાળ શા માટે થતા નથી ? ૨. વેવિશાળ અને લગ્નજીવન શા માટે તૂટે છે ? ૩. દીકરા કે દીકરીના અન્ય સમાજમાં શા માટે પરણાવવા પડે છે? ૪. દીકરી ભાગીને અન્ય સમાજમાં શા માટે લગ્ન કરે છે? ૫. સંબંધ કરાવવા હવે કેમ કોઈ આગળ આવતા નથી? સામાજિક જીવનમાં દાંપત્યજીવન ખૂબ જ મહત્વનું છે. પરંતુ અહીં યોગ્ય પાત્ર કેમ મળતા નથી ? પસંદગી કેમ થતી નથી? સગપણમાં જેટલું મોડું થઈ રહ્યું છે તેનાથી બીજા ઘણાં પ્રશ્નો પણ ઊભા થઈ રહ્યા છે. નવી પેઢી લગ્ન જીવન માટે હવે જુદું વિચારી રહી છે યુવા પેઢીને કેવું પાત્ર જોઈએ છે એની ખબર જ નથી. સગપણ નક્કી કરવા માટે યુવક યુવતી કે તેના પરિવાર માટે નિર્ણય શક્તિનો અભાવ હોય છે તેમ લાગે છે. આજકાલ નવી પેઢીને ફ્રીડમ (સ્વતંત્રતા) જોઈએ છે. પરિણામે પસંદગીમાં અતિશય વિલંબ થઈ રહ્યો છે ખાસ કરી દીકરીઓ જે સગપણ માટે મોડું કરે છે તેને માટે મોટું નુકસાન છે. તે સમજવાની જરૂર છે. યુવાનોને હાલ લગ્નજીવનના બંધનમાં બંધાવું નથી તેવી માનસિકતા પણ જોવા મળે છે. તે સામાજિક વ્યવસ્થાને નુકસાન કરે એવું લાગે છે. એક વર્ગ એવો છે કે જે ને લગ્ન જ નથી કરવા.. લગ્નજીવનમાં બંધાવું નથી...મુક્ત રહી જિંદગી માણવી છે..બીજો વર્ગ એવો જોવા મળે છે તેમને લગ્ન કરવા છે પણ સંતાન જ નથી જોઈતા... તેને બાળકોને જવાબદારી નથી લેવી, ખાસ કરીને નોકરી કરતા યુવકો યુવતીઓ એવું વિચારે છે કે બાળકોની જવાબદારીઓમાં પડવું જ નથી... આ ઉપરાંત નવી પેઢીમાં હવે એક ત્રીજો સમૂહ પણ જોવા મળી રહ્યો છે કે જેને બાળક જોઈએ છે પરંતુ લગ્નના કોઈ બંધનમાં બંધાવવું જ નથી... આવી ઘટનાઓ બનવા લાગી છે. કોઈપણ મહિલા IVF વડે લગ્ન કર્યા વગર માતા બની શકે છે. નવી પેઢીની માનસિકતામાં આવી પશ્ચિમી સંસ્કૃતિની અસર દેખાવા લાગી છે. મુક્ત રહી સ્વતંત્ર જિંદગી જીવવી છે. નવી પેઢી માતા-પિતાના પ્રભાવમાં નથી. મુક્ત રહી જીવવું છે. તે લગ્ન માટે ઉતાવળ કરતી નથી. પરિણામે સમય જતો રહેશે અને પછી સંબંધ શોધવા નીકળે ત્યારે યોગ્ય પાત્ર મળતું નથી. અત્યારે અસંખ્ય પરિવાર આ પીડા ભોગવી રહ્યા છે. સગપણ નક્કી કરતા પહેલા યુવક યુવતી ની મુલાકાત ગોઠવવામાં આવે છે. હવે તો કેફે હાઉસમાં મળવાનું ગોઠવવામાં આવે છે છતાં અપેક્ષાઓ જ એટલી ઊંચી અને વધુ પડતી હોવાને કારણે સંબંધ ગોઠવાતા નથી. ઘણા પરિવારોમાં માતા-પિતા થાકી ગયા છે પરંતુ છોકરો કે છોકરી હા પાડતા નથી. તેને શું જોઈએ છે તેની જ કદાચ તેને ખબર નથી. સગપણ પાત્ર થયેલા સંતાનોના માતા પિતાને રાત્રે ઊંઘ આવતી નથી.તેને બાળકોને ચિંતા કોરી ખાય છે. એનો અહેસાસ નવી પેઢીને નથી. ખાસ કરીને માતા-પિતા કે યુવતી એ ખુદ કેવા યુવકની પસંદગી કરવી જોઈએ તે વિચારવાની જરૂર છે. જેના મુખ્ય ચાર માપદંડ છે. ૧. છોકરાનો દેખાવ સારો હોવો જોઈએ. ૨. છોકરાનું શિક્ષણ સારું અને ઉચ્ચ હોય.૩. છોકરાના પરિવારની આર્થિક સ્થિતિ અને છોકરા ની કમાણી મહત્વની બાબત બને છે. ૪. છોકરાનો પરિવાર ખાનદાન હોય. આમ ચારે બાબતો એક સાથે હોતી નથી તેમાં બાંધછોડ કરો તો જ સંબંધ થઈ શકે. જો તમને રૂપ ગમતું હોય તો શિક્ષણમાં બાંધછોડ કરો અથવા શિક્ષણ ડિગ્રી ગમતી હોય તો રૂપ અને આર્થિક બાબતોમાં બાંધ - છોડ કરવી જોઈએ. પસંદગી માટે આટલી બાબત સમજાય જાય તો દીકરીઓના સગપણ નો પ્રશ્નો ઉકેલાય તેમ છે. દીકરાનું સગપણ શોધતા વાલીઓ કહે છે કે બાયોડેટા ઘણા આવે છે પરંતુ છોકરીઓની ઉંમર વધુ હોય છે. આ બાબતે મેડિકલ ક્ષેત્ર કે અન્ય ઉચ્ચ અભ્યાસ કરતી દીકરીઓ અને તેના વાલીશ્રીઓએ સગપણ બાબતમાં ગંભીરતા સમજવાની જરૂર છે.જીવનનો હેતુ જ માણસ તરીકે ધબકતું જીવન જીવવાનો છે.તેમાં
દાંપત્યજીવન અને પારિવારિક જીવન મુખ્ય આધાર છે. ત્યારે ડિગ્રી મેળવવા કે કારકિર્દી ઘડતર માટે લગ્નનું મોડું કરવાની જીવનમાં મોટી બાંધછોડ કરવાનો સમય આવી શકે છે.મોટેભાગે સામાજિક માન્યતા દીકરીઓ માટે પડકારરૂપ છે. ૧. છોકરા કરતા છોકરીની ઉંમર મોટી ન હોવી જોઈએ.૨. છોકરા કરતા છોકરીનો અભ્યાસ વધુ ન હોવો જોઈએ. આ બે મર્યાદાઓને કારણે દીકરી વધુ ભણે છે ત્યારે તેની ઉંમર વધી જાય છે. પરિણામે જ્ઞાતિ સમાજના છોકરાઓ મળતા નથી ખાસ કરીને ડોક્ટરનું ભણ્યા પછી પી.જી.ની તૈયારીમાં બે વર્ષ નીકળી જાય ત્યારે પછી એમ.ડી.કે એમ.એસ. કરે તેમાં બીજા બે વર્ષ નીકળી જાય છે. પછી તેટલી ઉંમરના છોકરાના સગપણ બાકી હોતા નથી. આખરે બાંધછોડ કરી અન્ય જ્ઞાતિ ધર્મમાં લગ્ન કરવા મન મનાવવું પડતું હોય છે. આ સામાજિક પીડા જિંદગીભર રહે છે. આજે ડોક્ટર કે ઉચ્ચ શિક્ષણ મેળવેલ અને નોકરી કરતી ઘણી યુવતીઓની ઉંમર ૩૫થી વધુ થઈ ગઈ છતાં હજુ સગપણ થતું નથી.આ મોટો સામાજિક પ્રશ્નો છે. હાલ મેરેજ બ્યુરોમાં આવેલા બાયોડેટામાં મોટી ઉંમરની છોકરીઓ નાની ઉંમરના છોકરા આવેલા છે જે જોડી બની શકતી નથી. જો ભણવામાં વધુ પડતી મોટી ઉંમર થઈ જાય તો પારિવારિક જીવન ખુશી અંગે બાંધછોડ કરવી પડે છે. આ બાબતે ખૂબ જ મહત્વની બાબત એ છે કે મેડિકલની પ્રથમ ડિગ્રી મળે ત્યારે જ સગપણ કરી દેવું જોઈએ. અને હવે તો લગ્ન પછી પણ ઉચ્ચ અભ્યાસ માટે પરિવાર પ્રોત્સાહન આપે છે. આ નિર્ણયથી ભવિષ્યના પ્રશ્નો ઓછા થશે. યુવા પેઢીને ઘરસભા કે સામાજિક પ્રસંગોમાં સામેલ કરી જીવનનું મૂળ હેતુ સમજાવવાની જરૂર છે. જીવન મૂલ્યો અને સંસ્કાર સાથે પારિવારિક મૂલ્યોનું જતન કરવાની જરૂર છે. વર્તમાન સમય સંબંધ કરાવનારા મધ્યસ્થી ઘટતા જાય છે. સગાઈ માટે કોઈ આગળ ચાલતું નથી આ બાબતે આપણે ચિંતન કરવાની જરૂર છે. અને છેલ્લે...પારિવારિક જીવન માટે સગપણ પહેલું સ્ટેશન છે, ત્યાં મોડું થશે તો સુખી જિંદગીની ગાડી ચૂકી જવાશે...
નાવલીનાં નીરેથી...
વિપુલ દવે

ટિપ્પણીઓ
1 ટિપ્પણીઓ