બાપુજી આખી જિંદગી કુટુંબમાં નહોતા ભળ્યા છતાં દીકરાઓ કહેતા હતા કે બાપુજી પંચમહાભૂતમાં ભળી ગયા. આવા સ્વર્ગસ્થ બાપુજીના બેસણાનો સમય સાંજે ૯ થી ૧૧ નો હતો. હજુ તો સાડા આઠ વાગ્યા હતા.છતાં કેટલાક ઉત્સાહી લોકોએ દરવાજ દસ્તક દીધા.
આંગતુંકને બાપુજીના દીકરાઓએ પૂછ્યું, "કોનું કામ છે?"
'બેસણામાં આવ્યા છીએ.' આવનાર બોલ્યા. દીકરાને થયું કે માણસો જાનમાં જવાની તો ઉતાવળ કરે પણ સાલુ બેસણામાં ય આટલી ઉતાવળ!
કારણ કે બેસણા માટે ઘરમાં વહુઓ હજુ તૈયાર થતી હતી. દીકરાઓ કાબરચીતરા ટીશર્ટ અને ચડા પહેરીને આંટા મારતા હતા. આવનાર ભાઈએ બગલાની પાંખ જેવા ચમકતા સફેદ કુર્તા પાયજામાંમાં સજ્જ હતા. અને તેમના ધર્મપત્ની સફેદ કોટન સાડીમાં સ્વર્ગમાંથી ઈશ્વરનો સંદેશો લઈને આવેલ પરી જેવા લાગતા હતા. તેમને જોઈને લાગતું હતું કે ઈશ્વરે આ કપલનું સર્જન ખાસ બેસણા માટે જ કર્યું હશે. એટલામાં જ સફેદ વસ્ત્રોમાં બીજા બે યુગલ પણ ચહેરા પર વ્યવહારિક ઉદાસી ધારણ કરીને પ્રગટ થયા. હવે દીકરાઓ સફેદ વસ્ત્રો પહેરીને અને વહુઓ સફેદ સાડીને અનુરૂપ મેકઅપ કરીને વાડીના મેદાનમાં પોતપોતાનું સ્થાન ગ્રહણ કર્યું.
બાપુજીનું બેસણું સમાજની વાડીમાં રાખવામાં આવ્યું હતું વાડીના મેદાનમાં બાંધેલા મંડપ નીચે એક ટીપોઈ પર ફુલ પાંદડીનો ટોપલો મૂકવામાં આવ્યો હતો. સામે એક સરસ મજાની ખુરશી હતી તેના પર સફેદ કપડું હતું પણ ખુરશી પર બાપુજીનો ફોટો નહોતો! સૌપ્રથમ આવેલા ઉત્સાહી સજ્જને પૂછ્યું, "બાપુજી નો ફોટો ક્યાં!"
મોટા દીકરાએ કહ્યું, "લાવે છે લાવે છે, સુખડનો હાર ફોટો બધું જ લાવે છે." પછી દીકરાઓ અરસપરસ પ્રશ્નાર્થ દ્રષ્ટિથી એકબીજા સામે જોવા લાગ્યા. આ બાજુ ઘરમાં પણ એ જ પ્રશ્ન પૂછાઇ રહ્યો હતો કે "બાપુજી નો ફોટો ક્યાં!" કારણ કે બીજી બધી તૈયારી કરવામાં ફોટો કોઈને યાદ જ ન આવ્યો. બધા ફોટા માટે એકબીજાને પૂછવા લાગ્યા.
દીકરાઓને બાપુજીને રાખવાનું કે બાપુજીનો ફોટો રાખવાનું બેમાંથી એકેય જરૂરી લાગ્યું નહોતું પણ છેલ્લે છેલ્લે બાપુજીના ફોટાની આ રીતે જરૂર પડશે એવી તેમને કલ્પના ય નહોતી. છેલ્લા દિવસોમાં બાપુજીને જમાઈએ રાખ્યા હતા. એટલે ફોટો ય કદાચ એમની પાસે હોય એમ ધારીને જમાઈની પૂછપરછ કરવામાં આવી.
હજુ એકલદોકલ માણસો આવતા હતા. બેસણા નો માહોલ જામ્યો નહોતો. જે કોઈ ફૂલપંદડીના ટોપલા પાસેની ખુરશીને જુએ તો ખુરશી ખાલી! આવનારા લોકો સામે વિકરાળ પ્રશ્ન થતો કે તો પછી આ હાથમાં લીધેલી કુલપાંદડી કોને ચડાવવી. એકવાર લીધા પછી પાછી ટોપલામાં કેમ પધરાવવી.આવા પ્રશ્નો સાથે કેટલાક લોકો બેસી ગયા.આવેલામાંથી ફરી કેટલાકે પૂછ્યું, "બાપુજી નો ફોટો કેમ નથી!?" દીકરાઓ મૂંઝાઈ ગયા. તેમને થયું કે બાપુજીને જીવતા ન સાચવ્યા એટલે મર્યા પછી આડા ચાલ્યા. ખરે ટાણે ફોટો ન મળવાથી દીકરા ઉપર તેમની બા અને દાદીમાં કાળો કકળાટ કરવા લાગ્યા.તેમનો કકળાટ ચોવીસ કેરેટનો હતો.
ઊંડી તપાસને અંતે જાણવા મળ્યું કે જમાઈ પાસે ફોટો હતો. પણ તે નાનો હતો તેથી તેણે બે દિવસ પહેલા જ ફોટો સ્ટુડિયોવાળાને મોટો બનાવવા, એંનલાર્જ કરવા આપ્યો હતો. તરત જ જમાઈ ખુદ સ્ટુડિયો તરફ દોડ્યા અને ત્યાં જઈને કહ્યું કે ત્રણ દિવસ પહેલા તમને મેં પ્રાણજીવન જગજીવન એટલે કે મારા સ્વર્ગસ્થ સસરા એટલે કે બાપુજીનો ફોટો મોટો કરવા આપ્યો હતો તે થઈ ગયો? સ્ટુડિયોવાળાએ તરત જ 'હા' પાડી અને અંદરથી એક મોટી છબી લઈ આવ્યો અને કહ્યું, "લો તમારા બાપુજી, એકદમ રેડી છે!"
ફોટો જોઈને જમાઈને 9.7 રિક્ટર સ્કેલનો આંચકો લાગ્યો. તેણે કહ્યું, "આ અમારા બાપુજી નથી."
સ્ટુડિયોવાળો તેની સામે નફરતના ભાવથી તાકી રહ્યો, "ભલા માણસ,કેવી વાત કરો છો! અમે કોકના બાપુજી થોડા તમને પધરાવીએ. આ તમારા જ બાપુજી છે."
જમાઈએ કહ્યું, "તમે ફોટો મોટો કર્યો પણ ગોટો ય કર્યો. આ અમારા બાપુજી નથી. અમારા બાપુજી તો પૂળો પૂળો મૂછો રાખતા'તા.
સ્ટુડિયોવાળો કહે, " તો શું બાપુજીની મૂછો અમે ખેરી નાખી! આ તમારા જ બાપુજી છે. જુઓને, ત્રણ દિવસથી અહીં પડ્યા છે બીજાના હોય તો તો કોઈ લઈ જાયને! તમારે પૈસા ન આપવા હોય તો કાંઈ નહીં, મફતમાં લઈ જાવ.અમારે હવે એ કાંઈ કામના નથી."
જમાઈ બોલ્યા, "કામના તો એમના દીકરાઓને ય નહોતા પણ બેસણા માટે ફોટો તો જોઈએ ને!"
છેવટે સ્ટુડિયોવાળાએ એના માણસને બોલાવીને પૂછ્યું તો તેણે કહ્યું કે શેઠ કાલે સાંજે તમે તમારા દાદા સસરાના બેસણામાં ગયેલા ત્યારે એક મૂછ વગરના ભાઈ આવ્યા'તા તે મૂછોવાળા કાકાનો ફોટો લઇ ગયા. મેં એમને કહ્યું કે મારા શેઠ આવે પછી લઈ જજો પણ તેમને બહુ ઉતાવળ હતી એટલે કહેવા લાગ્યા કે આ અમારા બાપુજી નો જ ફોટો છે.મેં ના પાડી તો કહે, "અલ્યા, અમે કોઈ બીજાના બાપુજી થોડા ઉપાડી જઈએ અમારી બા ખીજાય કે નહીં! આ અમારા જ બાપુજી છે" એમ કહી ફોટો લઈ ગયા અને બે હજાર રૂપિયા આપતા ગયા. જમાઈ બોલ્યો, "બસ, તો પછી એ જ અમારા બાપુજી! હવે અમારે બાને શું જવાબ આપવો! આ રીતે બીજાના બાપુજી લઈ જવાતા હશે!?" જમાઈએ વિશેષમાં કહ્યું, "અમારે ખાલી આજે જ જરૂર છે આવતીકાલે લઈ ગયા હોત તો કોઈ વાંધો નહોતો અને ફરીથી ત્યાં પડેલા ફોટા સામે આંગળી ચીંધીને જમાઈએ કહ્યું, "આ અમારા બાપુજી નથી."
સ્ટુડિયો વાળો કહે, "બે ત્રણ દિવસ ચલાવો તો પછી તમારા બાપુજીને ક્યાંકથી શોધી કાઢીએ." જમાઈ કહે, "એટલે શું, અમારે બીજાના બાપુજીથી ચલાવવું એમ! બેસણું અમારા બાપુજીનું ને ફૂલ ચડાવવાના બીજાને! તમને કાંઈ શરમ જેવું છે કે નહીં."
સ્ટુડિયોવાળો કહે, "આ તો તમારું ટાણું સચવાઈ જાય. બેસણામાં ફોટાને કોણ જુએ છે! પછી નિરાંતે તમારા બાપુજીને લઈ જજો ને! અત્યારે તાત્કાલિક તો નહીં મળે.કોણ લઈ ગયું એ જ ખબર નથી."જમાઈએ વિચાર્યું કે હવે બાપુજી માટે સ્ટુડિયોવાળા સાથે બાખડવાનો ટાઈમ નથી એટલે તેઓ ખાલી હાથે અને ઉદાસ ચહેરે પાછા ફર્યા.
ઘેર આવી જમાઈએ બધી વાત કરી.બધા ચિંતામાં પડી ગયા. થોડીવાર વિચાર્યા પછી જમાઈને એક વિચાર સૂઝયો તેણે કહ્યું, "બાપુજીને બદલે મોટા બાપુજી નો ફોટો મૂકી દઈએ તો! બંનેના ચહેરાતો એકદમ મળતા આવે છે બેઉને ઓળખવામાં ઘણીવાર તો આપણે પણ થાપ ખાઈ જતા તો અજાણ્યા ક્યાંથી ઓળખવાના!"
વાત એમ હતી કે બાપુજી અને મોટાબાપુજી બંને જોડિયા ભાઈઓ હતા. મોટા બાપુજી ફક્ત સાત મિનિટ વહેલા જન્મ્યા એટલે તેમને મોટા બાપુજી નો દરજ્જો આપવામાં આવ્યો. બાકી તે બહુ મોટા નહોતા. બંને ભાઈઓના ચહેરા,હાઈટ બોડી, એકદમ સરખા જ હતા. તેમાં મોટાબાપુજી હજુ હયાત હતા. બેસણું શરૂ થવાને હજુ અડધો કલાકની વાર હતી. છેવટે દીકરાઓને આ વાત ગમી ગઈ. બાને પણ આ વાત ગળે ઉતરી ગઈ પણ મોટાબાને ખબર પડી તો તેમણે કકળાટ આદર્યો કે જીવતે જીવ તમારા મોટા બાપુજી નું બેસણું કરવું છે એમ! આવું જોતા મારો જીવ ન ચાલે. તમારા મોટા બાપુ અહીં બેઠા બેઠા ટેસથી બીડી પીતા હોય અને ત્યાં લોકો તેમના ફોટાને રડતા રડતા ફૂલ ચડાવતા હોય તે હું કેમ જોઈ શકું. અહીં તમારા મોટાબાપુજી બીડીના ધુમાડા કાઢતા હોય અને ત્યાં તેમના ફોટા પાસે અગરબત્તીના ધુમાડા નીકળતા હોય તેની સુગંધ હું કેમ સહન કરી શકું.
દીકરાઓએ કહ્યું, "મોટીબા, એ તો ફક્ત ફોટો જ મોટાબાપુજીનો રહેશે બાકી બેસણું તો બાપુજીનું જ છે ને! લોકો ભલે ને ગમે તેટલા ફૂલ ચડાવે, મોટા બાપુજીનો વાળ વાંકો નહીં થાય. તમે હિંમત રાખો. બેસણા પૂરતો મોટાબાપુજીનો સદુપયોગ કરવા દો.
મોટાબા કહે, "ના ના એ મારાથી ન જોવાય." દીકરા કહે, "મોટા બા,આપણા કુળની આબરૂ માટે તમે આટલો ભોગ ન આપી શકો."
મોટાબાએ કહ્યું, "પણ આમાં તો તમારા મોટા બાપુજીનો ભોગ લેવાઈ જાય ને. વળી કોઈની આંખોમાં સારું તેજ હોય ને ઓળખી જાય કે આ તો મોટાબાપુજી છે તો મારે એમને મોં શું બતાવવું.
દીકરાએ કહ્યું, "મોં બતાવવાનો પ્રશ્ન તો મોટા બાપુ ને નડે,તમને નહીં."
નાના દીકરાએ કહ્યું, "આપણે મોટાબાપુજીની છબી પાસે બહુ ઝાંખો પ્રકાશ પડે એવું પ્રકાશ આયોજન કરશું એટલે કોઈ ઓળખી નહી શકે."
વચલા દીકરાએ સમજાવ્યું કે જુઓ મોટા બા, આજ સુધી આપણે જ્યાં જ્યાં બેસણામાં ફૂલો ચડાવી આવ્યા ત્યાં કોઈ દી' કોઈ છબીને નીરખીને જોઈ છે ખરી! આ કાંઈ ઠાકોરજીની છબી નથી કે બધા નિરખે.ફોટાને કોઈ જોતું નથી. લોકો તો વહેવાર સાચવવા અને "ગયા વગર છૂટકો નથી." એટલે આવતા હોય છે. વળી મોટા બાપુજી તો માની ગયા છે તો તમને શો વાંધો છે. આમ મોટાબાને ઘણું સમજાવ્યા છતાં મોટાબા માન્યા નહિં. કારણ કે તેઓ મોટાબાપુજીનું ય નહોતા માનતા એમાં દીકરાઓનું ક્યાંથી માને.
જો કે ફોટો મૂકવાના મુદ્દે મોટાબાપુજીને કોઈ વાંધો નહોતો. મોટાબાપુજીએ તો કહ્યું કે આમે ય વહેલા મોડા આપણે છબીલદાસ મટીને છબી તો બનવાનું જ છે. તો આજે બની જાઉ એમાં શો વાંધો. એક દિવસ આ કાળમીંઢ જેવી કાયા પણ કાગળમાં છપાઈને કાચ પાછળ જડાઈ જશે. તો પછી આજે ફોટો મૂકવામાં શો વાંધો? ત્યાં એક વીમા એજન્ટ હાજર હતા તેમણે મોટીબાને સમજાવ્યું કે મોટાબાપુજી પર વીસ લાખનો વીમો છે માટે લાભ લઈ લો. કાગળિયા હું કરી દઈશ. નાણું મળે પણ ટાણું ન મળે. વીસ લાખનો આંકડો સાંભળી મોટીબાના ચહેરાના ભાવ માવઠામાં મોસમ બદલાય એમ બદલાયા. તેમને થયું કે 'હાથી જીવતો લાખનો, મૂઓ સવા લાખનો.' આમ મોટીબાએ મોટાબાપુનો ફોટો મુકવાની હસતા મુખે હા પાડી.
અંતે બાપુજીના સ્થાને મોટાબાપુજી નો ફોટો મુકવાનો સમરસ નિર્ણય લેવાયો.મોટાબાપુજીનો ફોટો મોટો અને સરસ હતો પણ ફરીથી એક પ્રશ્ન ખડો થયો. બાપુજી પૂળોપૂળો મૂછો રાખતા'તા જ્યારે મોટા બાપુજી સાવ ડામર રોડ. કારણ કે મોટા બાપુજીએ લગ્ન પછી ક્યારેય મૂછો રાખી નહોતી. બા એ મૂછો વગરનો ફોટો મુકવાની સાફ ના પાડી.
દીકરાઓએ કહ્યું, "જલ્દી કરો પોણા નવ થઈ ગયા છે. બેસણા ઉત્સુક લોકો ઉઘરાણીવાળાની જેમ દરવાજા ખખડાવી રહ્યા છે માટે મોટા બાપુજીનો જેવો હોય તેવો ફોટો મૂકી દો.મૂછોની માથાકૂટ છોડો." પણ બા એ કહ્યું, "તમારા બાપુજીની મૂછો તો ઊડીને આંખે વળગે એવી મોટી મોટી હતી. મૂછો એમને બહુ વ્હાલી હતી. એમના બાપુજી ગુજરી ગયા. તો ય તેમણે મૂછ ઉતરાવી નહોતી. એટલે મૂછ વગરના બાપુજી કદાપી ન હોઇ શકે. માટે મૂછવાળો ફોટો ગોતો.
મોટીબા એ કહ્યું, "અમારા લગ્ન પછી એમણે ક્યારેય મૂછ રાખી નથી એટલે મૂછવાળો ફોટો મળવો અશક્ય છે. કોઈ પૂછે તો કહેવાનું કે છેલ્લે છેલ્લે બાપુજીને સંસારનો અને મૂછોનો મોહ છૂટી ગયો હતો એટલે મૂછો ઉતરાવી નાખી'તી." પણ આ મૂછો ઉતરાવવાની વાત બાના ગળે ન ઉતરી. મૂછવાળા બાપુજીનો જ તેમનો દ્રઢ આગ્રહ હતો. તેમણે કહ્યું કે 'મૂછ વિના બધું જ તુચ્છ' 'ગોળ વિના મોળો કંસાર, મૂછ વિના સુનો સંસાર.' હું મૂછ વિનાનો ફોટો નહીં મુકવા દઉ.
એટલામાં દશમું ભણતો પૌત્ર આવ્યો. તેણે કહ્યું, "પપ્પા દાદાની મૂછોનો જ પ્રોબ્લેમ છે ને!" પૌત્રે ચપટી વગાડીને કહ્યું, "ઓન્લી એક મિનિટમાં થઈ જાય." પછી તે લેપટોપ લાવ્યો અને તેમાં મોટા બાપુ નો ફોટો પાડી લીધો પછી બોલ્યો, "બોલો હવે મૂછો લગાવી દઉં ને." આમ કહી તેણે કાળી ધોળી, કાબરચીતરી, મહેંદી કરેલી, બ્રાઉન, તલવાર કટ,હિટલર કટ એમ વિવિધ પ્રકારની મૂછો બતાવીને કહ્યું, "બોલો આમાંથી કઈ લગાડવી છે?"
બા એ કહ્યું, "કાબરચીતરી"
અત્યાર સુધી ફોટા વગરની ખાલી ખુરશી જોઈને સાત આઠ જણને તો એવું લાગ્યું કે ખોટી જગ્યાએ આવી ગયા છીએ એટલે તેઓ તો ફૂલ ચડાવ્યા વિના જ પાછા જતા રહ્યા.હજુ સુધી બા અને મોટીબા મૂછના મુદ્દે એકમત થઈ શક્યા નહોતા. દીકરો બોલ્યો, "આમાં તો ડગલેને પગલે વિઘ્ન આવે છે."
એટલામાં જ એક ભાઈ પૂછતા પૂછતા આવ્યા કે પ્રાણજીવન જગજીવનભાઈ ગુજરી ગયા તેનું ઘર આજ કે? દીકરાઓએ કહ્યું, હા. પછી આવનાર ને પૂછ્યું, "તમે બાપુજીના શું સગા થાવ?"
પેલા એ કહ્યું, "કાંઈ નહીં!"
દીકરાએ કહ્યું, "તો શું આવ્યા છો?"
આવનારે કહ્યું, "મને પેલા ફોટો સ્ટુડિયોવાળા પાસેથી તમારું સરનામું મળ્યું. વાત જાણે એમ છે કે અમારા એક ભાઈ ગઈકાલે સાંજે જ ત્યાં સ્ટુડિયોમાંથી ભૂલમાં અમારા બાપુજીને બદલે તમારા બાપુજીનો ફોટો ઉપાડી લાવ્યા. અમારે ગઈકાલે બાપુજીનું બેસણું હતું તે તમારા બાપુજીથી પતી ગયું બેસણું પત્યા પછી છબી ઘરમાં લાવી બે'ક જણે નીરખીને જોયું તો ખબર પડી કે આ અમારા બાપુજી નથી.કોઈ ભળતા જ આવી ગયા છે. સ્ટુડિયો પર તપાસ કરતા અમને અમારા બાપુજીનો અસલ ફોટો ત્યાંથી મળી ગયો.
સ્ટુડિયોવાળાએ અમારા બાપુજી નો ફોટો બનાવીને ભૂલથી પાછળના મેકઅપ રૂમમાં મૂકી દીધો હતો. અમારા અને તમારા બાપુજી એકદમ સરખા જ લાગે છે એટલે અમારે ત્યાં તમારા બાપુજી આવી ગયા. અને તમે ધંધે લાગી ગયા.અમારે ત્યાં બેસણું પત્યા પછી સાચી ખબર પડી એટલે આજે સ્ટુડિયો વાળા પાસેથી તમારું એડ્રેસ લઈ તમારા બાપુજીનો પાછા આપવા આવ્યા છીએ. આમ કહી તેણે મોટી બેગમાંથી મૂછોવાળા બે ફોટા કાઢ્યા.
બા, મોટા બા, દાદીમાં, દીકરાઓ બધા જ ત્યાં ઉભા હતા. પેલા ભાઈએ બંને ફોટા બતાવ્યા. બધા જુએ તો બંને ફોટા એકદમ સરખા, ભલભલા થાપ ખાઈ જાય. બંને જોડીયા ભાઈ જ જોઈ લો. પેલા ભાઈએ કહ્યું, "અમે ખુદ થાપ ખાઈ ગયા!" આમ કહી તેમણે બેસણા માટે અહિંના અસલ બાપુજીનો ફોટો આપ્યો. બધા બોલી ઉઠ્યા ગજબ કહેવાય હો.બેઉં એકદમ સરખા જ લાગે છે. પણ અંતે સૌ ખુશ થયા કે ચાલો ફોટો મળી ગયોને. સૌને હાશ થઈ.
એટલામાં જ બા તો પેલા ભાઈના હાથમાંથી ફોટો આંચકીને ફોટાને ભેટી પડ્યા. તેમણે દોડીને પૂળો પૂળો મૂછોવાળો બાપુજી નો ફોટો ખુરશી પર મૂકીને સૌથી પહેલા ફૂલ બા એ ચડાવ્યા. આમ પણ બા બાપુજીને ઘણીવાર ફૂલ ચડાવતા.આ રીતે એક ભવ્ય બેસણા નો પ્રારંભ થયો….
ટિપ્પણીઓ
1 ટિપ્પણીઓ