લગ્ન માટે સારો દીકરો નથી મળતો ???, પણ બોયફ્રેન્ડ કેવી રીતે મળી જાય છે....????
આ એક મહત્વપૂર્ણ અગત્યનો પ્રશ્ન છે ઘણી દીકરીઓને.....
આજકાલ ઘણી દીકરીઓના મોઢે આ વાક્ય ચોક્કસ સાંભળવા મળે છે કે, "લગ્ન માટે સારો દીકરો નથી મળી રહ્યો." અને માતા-પિતા પણ આ જ વાતને સમર્થન આપે છે.
આ વાક્ય સાંભળતાની સાથે જ મારા મનમાં હંમેશા એક સીધો સવાલ ઊઠે છે કે તો પછી બોયફ્રેન્ડ કેવી રીતે મળી જાય છે ???
કારણકે કોલેજથી લઈને ઓફિસ સુધી, બસ સ્ટોપથી લઈને સોશિયલ મીડિયા સુધી, મિત્ર બનાવવાની પ્રક્રિયા ખૂબ જ ઝડપથી ચાલે છે. ફેસબુક પર ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકારવામાં આવે છે, ઇન્સ્ટાગ્રામ પર લાઈક્સની લેવડ-દેવડ થાય છે, વૉટ્સએપ પર ગુડ મોર્નિંગના ફૂલો ખીલે છે અને થોડા જ દિવસોમાં ફક્ત "મિત્ર" શબ્દ "સ્પેશિયલ ફ્રેન્ડ" સુધી પહોંચી જાય છે. આ વાત એકદમ સત્ય હકીકત છે, આપ પણ સ્વીકારશો જ.....
ત્યારે કોઈ ઊંચાઈ નથી માપતું, અભ્યાસ નથી મહત્વનો, દેખાવ નથી મહત્વનો, સેલેરી સ્લિપ નથી માંગતું, બેંક બેલેન્સ નથી ચેક કરતું કે પોતાનું ઘર છે કે નહીં, એવી પૂછપરછ પણ નથી કરતું. કેમ ???
પરંતુ જે ક્ષણે લગ્નસંબંધની વાત પોતાની જ જ્ઞાતિમાં નીકળે છે, ત્યારે જ અચાનક બધા માપદંડો જાગી જાય છે કે,
દીકરાની ઉંચાઈ સરખી હોવી જોઈએ,
બંનેનો અભ્યાસ સરખો હોવો જોઇએ,
સેલેરી મોટી હોવી જોઈએ,
પોતાનું ઘર હોવું જોઈએ,
ચાર પૈડાવાળી ગાડી (કાર) જોઈએ,
આદતો સારી હોવી જોઈએ,
કોઈ વ્યસન ના હોવું જોઈએ,
સાસુ-સસરા સમજદાર હોવા જોઈએ,
પરિવાર નાનો હોય, બને ત્યાં સુધી સાથે કોઈ ના રહેતું હોય,
ઘરના તમામ કામ કરવા માટે નોકર હોવા જોઈએ,
પહેરવા ઓઢવાની, હરવા-ફરવાની અને મોડા ઉઠવાની પૂર્ણ સ્વતંત્રતા હોવી જોઈએ,
સંબંધ ઘરની આસપાસ જ (જ્યારે આજે પૂરતા સાધનો છે, અંતર કોઈ મહત્વ નથી રાખતું) 50 થી 100 કિલોમીટરમાં જ જોઈએ,
અને સૌથી મહત્વની વાત દીકરો હેન્ડસમ હોવો જોઈએ.
એટલે કે સીધા શબ્દોમાં કહીએ તો બોયફ્રેન્ડ માટે દિલ ચાલે છે અને પતિ માટે હિસાબ.
પ્રેમમાં લાગણીઓ હોય છે, પરંતુ લગ્નમાં જવાબદારીઓ હોય છે. બોયફ્રેન્ડ પસંદ કરતી વખતે અવારનવાર વર્તમાન જોવામાં આવે છે, પરંતુ પતિ પસંદ કરતી વખતે ભવિષ્ય જોવામાં આવે છે. એટલા માટે પ્રેમ માટે યોગ્ય લાગતી વ્યક્તિ જીવનભરના સાથ માટે પણ યોગ્ય લાગે એ જરૂરી નથી.
આજની મૂળ સમસ્યા "સારો પતિ નથી મળી રહ્યો" તે નથી, પરંતુ "પરફેક્ટ પતિ શોધવાનો ટ્રેન્ડ" છે.
પરફેક્ટ માણસ આ દુનિયામાં ક્યાંય નથી. દરેકેદરેક વ્યક્તિમાં ગુણ અને અવગુણ બંને સમાયેલા જ હોય છે અને કેટલીક ખામીઓ પણ હોય છે.
સંસાર ગુણોના પ્રદર્શન પર નથી ચાલતો, પરંતુ ખામીઓના સ્વીકારભાવ પર ચાલે છે.
ક્યારેક જે લોકો એટલે કે દીકરી અને એનાં માતા-પિતા એમ કહે છે કે સારા દીકરા નથી મળતા, તો તેમણે પોતાને પણ એક સવાલ પૂછવો જોઈએ -
"હું દીકરી જે ગુણોવાળો પતિ શોધી રહી છું, તે ગુણો મારામાં કેટલા છે ??? આપણું પોતાનું સ્તર શું છે, જે આપણે સામેવાળાનું સ્તર જોવાનો પ્રયત્ન કરીએ છીએ ???"
કારણ કે સંબંધ એ ખરીદ વેચાણનો સોદો નથી. એ બે વ્યક્તિ એકબીજાના સુખ-દુઃખમાં જીવનભર સાથે ઊભા રહેવાનો મૌલિક કરાર છે.
આજના સમયમાં એક ખાસ અજીબ બાબત જોવા મળે છે,
બોયફ્રેન્ડ શોધતી વખતે આપણે હસતો ચહેરો જોઈએ છીએ, પરંતુ પતિ શોધતી વખતે બેંક બેલેન્સ, મકાન અને પ્રોપર્ટી જોઈએ છીએ, કેમ ???
પ્રેમમાં સ્વભાવ કરતાં આકર્ષણ વધુ મહત્વનું લાગે છે, તો લગ્નમાં માણસ કરતાં તેની સ્થિતિ.
પછી પાછળથી ફરિયાદ કરવામાં આવે છે કે સારા લોકો નથી મળતા. સાચું તો એ છે કે સારા લોકો આજે પણ છે, પરંતુ તેમને જોવાનો આપણો દ્રષ્ટિકોણ શું છે એ આપણે જ ખુદ નથી વિચારતાં.
જેની પાસે મોંઘી ગાડી નથી, પણ દિલ મોટું છે, તે અવારનવાર નજરઅંદાજ થઈ જાય છે.
જેની પાસે પોતાનું ઘર નથી, પરંતુ જવાબદારીનો અહેસાસ છે, તેને તક જ નથી મળતી.
અને પછી વર્ષો સુધી "યોગ્ય પાત્ર" શોધવાની સફર ચાલતી જ રહે છે. સારું પાત્ર અને સારું ઘર શોધતા રહે છે અને આ ચક્કરમાં ઉંમર 40ને પાર નીકળી જાય છે.
અંતમાં બસ એટલું જ કહેવાનું કે...
બોયફ્રેન્ડ મેળવવો સરળ હોય છે, કારણ કે ત્યાં સપના વેચવામાં આવે છે. પતિ મેળવવો મુશ્કેલ લાગે છે, કારણ કે ત્યાં જવાબદારીભરી જીંદગી જીવવાની હોય છે.
સપનાઓમાં ભૂલો ચાલી જાય છે, પરંતુ સંસારમાં હકીકત સ્વીકારવી પડે છે અને આપણી જવાબદારીઓ પણ નિભાવવી પડે છે.
એટલા માટે સારો પતિ શોધવા કરતાં સારો માણસ ઓળખતા શીખો.
કારણ કે સુખી સંસાર ચહેરાથી, સેલેરીથી કે ગાડીથી નથી ટકતો, એ ભરોસા, સ્વભાવ, સમજદારી, સહનશીલતા, પરસ્પર સન્માનથી ટકે છે.
અને એટલે જ ફરી એ જ સવાલ આવે છે કે "સારો પતિ ક્યાં મળશે ???" એવું ના હોવું જોઈએ, બલ્કે "સારો માણસ ઓળખવાની આપણી નજર કેટલી સારી છે ???" એ હોવું જોઈએ.
જો આ સવાલ સમજાઈ જશે, તો કદાચ ઘણા માતાપિતાની અને દીકરીઓની પતિ શોધવાની સમસ્યા આપોઆપ ઉકેલાઈ જશે.
સૌથી મોટી સામાજિક વિટંબણા...
ટિપ્પણીઓ
1 ટિપ્પણીઓ