શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજ
Loading...

દાદા-દાદીનું વહાલ : બાળક માટે આશીર્વાદ કે અવરોધ ?


દાદા-દાદી સાથે બાળક માત્ર મોટું થતું નથી; તે વાર્તા, સંસ્કારો, સંબંધો અને લાગણીઓ વચ્ચે ઉછરે છે. ક્યારેક એ દાદા-દાદી બાળક જે માંગે એ તરત જ હાજર કરી દે છે ત્યારે પ્રશ્ન એ છે કે આ વહાલ બાળકને પાંખો આપે છે કે તેના પગની બેડીઓ બની જાય છે ?


એક બાળક જ્યારે દાદા-દાદીની આંગળી પકડીને ચાલતા શીખે છે ત્યારે કદાચ તેને ખબર પણ નથી હોતી કે તે માત્ર ચાલવાનું જ નહીં, પરંતુ એક આખી પેઢી સાથે જોડાવાનું શીખી રહ્યું છે. દાદાની વાર્તાઓ, દાદીના હાથનું ભોજન, જૂના સમયના સંસ્મરણો, તહેવારોની પરંપરાઓ અને બિનશરતી પ્રેમ બાળકના બાળપણને ભાવનાત્મક રીતે સમૃદ્ધ બનાવે છે. ભારતીય કુટુંબવ્યવસ્થામાં દાદા-દાદી માત્ર પરિવારના વડીલ નથી; તેઓ ઘણી વાર “ભાવનાત્મક સુરક્ષાનોઆધાર” બની જાય છે. માતા-પિતા નોકરી કે વ્યવસાયમાં વ્યસ્ત હોય ત્યારે બાળકની સંભાળ રાખવી, તેને શાળાએ મૂકવા-લાવવા, ખવડાવવું, વાર્તા કહેવી, હોમવર્કમાં મદદ કરવી અને સૌથી મહત્ત્વનું તેને સમય આપવો આ બધામાં દાદા-દાદીની ભૂમિકા અત્યંત મહત્વની બની શકે છે. પરંતુ દરેક વહાલ લાભદાયી હોય એવું જરૂરી નથી. જ્યારે વહાલ સાથે અતિશય લાડ, દરેક માંગણી પૂરી કરવાની ટેવ, માતા-પિતાના નિયમોનો વિરોધ, બાળક સામે માતા-પિતાની ટીકા અથવા “અમારા સમયમાં આવું નહોતું” જેવી વિચારસરણી જોડાય છે, ત્યારે એ જ વહાલ બાળકના વિકાસ માટે પડકાર બની શકે છે. આથી પ્રશ્ન દાદા-દાદી સારા કે ખરાબ? એવો નથી. સાચો પ્રશ્ન એ છે કે, દાદા-દાદી બાળકના ઉછેરમાં કઈ ભૂમિકા ભજવે છે અને તે ભૂમિકા કેટલી સંતુલિત છે ?


મારા એક લેખમાં બાળકના ઉછેરમાં પરિવારની ભૂમિકા વિશે લખ્યું ત્યારે એક માતાનો મને લાંબો મેસેજ આવેલો. તેમની વ્યથા હતી કે ઘરે અતિશય લાડકોડથી તેમના સાસુ સસરા તેમના બાળકને બગાડી રહ્યા છે. તેમની વાતમાં અસહ્ય પીડા હતી. એમની સમસ્યા વાચ્યા પછી થયું કે ખરેખર ગ્રાન્ડ પેરેન્ટ્સ માટે પણ પેરેન્ટિંગ વર્કશોપ કરવાની જરૂર છે..!


સંશોધનોમા સ્પષ્ટ થયું છે કે, બાળઉછેરમાં દાદા-દાદીની અસર સમજવા માટે માત્ર તેઓ કેટલો સમય બાળક સાથે રહે છે એ પૂરતું નથી; તેઓ બાળક સાથે શું કરે છે ? કેવી રીતે કરે છે ? પરિવારમાં પરસ્પરના સંબંધો કેવા છે ? ઘરમાં ગ્રાન્ડ પેરેન્ટ્સ સાથે તિરસ્કારભર્યું વર્તન થતું હોય તો તેની અસર સીધી બાળક સાથેના તેના વ્યવહાર પણ થાય છે. તેવી જ રીતે ઘરમાં વડીલોને પૂરતું માન સન્માન અને આદર આપવામાં આવતું હોય તો બાળક સાથે તેમનો વ્યવહાર પણ એવો જ પ્રેમાળ રહે છે. આ બધી બાબતો ખૂબ અગત્યની છે.


દાદા-દાદીનું હોવું એટલું જ પૂરતું નથી. તેમની બાળકના ઉછેરની ગુણવત્તા, સમજણ, વ્યવહાર, તેમનું પોતાનું માનસિક સ્વાસ્થ્ય પણ બાળક પર બહુ મોટી અસર ઉભી કરે છે. અનુભવે જોયું છે કે નાની ઉંમરના બાળકો જે જુએ છે તે કરે છે આ સમયે દાદા દાદીની કુટેવ કે અયોગ્ય વ્યવહાર બાળકના વર્તનનું કારણ બને છે. બદલાતા સમય સાથે ફ્લેક્સિબલ રહેતા ગ્રાન્ડ પેરેન્ટ્સ સૌને ગમે છે. પરંતુ જીવનમાં કોઈ બાંધછોડ ન કરતા, જીદ્દી, પોતાનું ધાર્યું જ કરવા ટેવાયેલા, પુત્ર અને પુત્રવધૂને હંમેશા સલાહ આપનારા, પોતાની જ સિદ્ધિઓની વાહવાહી કરવામાં રચ્યાપચ્યા રહેતા, પોતાના જમાનાને જ શ્રેષ્ઠ ગણાતા, ઘરને અસ્તવ્યસ્ત રાખતા, કુટેવ કે વ્યસન ધરાવતા દાદા દાદીઓ નવી પેઢીના પુત્ર-પુત્રવધૂને બિલકુલ ગમતા નથી. મારી દ્રષ્ટિએ બે પેઢી વચ્ચેની સુસંવાદિતા જીવનની અમૂલ્ય ભેટ છે. જે પરિવારમાં બંને પેઢી વચ્ચેનો સમાયોજન સુખમય હોય છે ત્યાં ત્રીજી પેઢી અત્યંત પ્રેમ, આનંદ અને સમૃદ્ધિ સાથે ઉછરે છે.


મમ્મી મને ઠપકો આપશે તો દાદી સાંભળશે. પપ્પા વ્યસ્ત હશે તો દાદા મારી વાત સાંભળશે.” આ લાગણી બાળકમાં ભાવનાત્મક સ્થિરતા લાવે છે. દાદા-દાદી બાળકની વાત ધ્યાનથી સાંભળે, તેની લાગણીઓને સન્માન આપે અને તેની નાની-મોટી સમસ્યાઓને હસવામાં ન ઉડાવે તો બાળકમાં પોતાની વાત વ્યક્ત કરવાની ક્ષમતા વિકસે છે. આવા સમયે દાદા દાદીનું વહાલ આશીર્વાદરૂપ બને છે. પરંતુ આજના સમયમાં બાળકને પ્રેમ આપવાનો એક સરળ રસ્તો બની ગયો છે તે જે માંગે તે ખરીદી આપવું. બાળકને ચોકલેટ જોઈએ ? મોબાઇલ જોઈએ? રમકડું જોઈએ? પૈસા જોઈએ? બધું જ લઈ આપે. પરંતુ બાળકને વસ્તુ આપવી અને સમય આપવો આ બંને બહુ અલગ બાબતો છે. ઘણીવાર પેન્શન મેળવતા દાદા દાદી બાળકને માતા-પિતા કરતા વધારે વસ્તુઓ લાવી દે છે ત્યારે તે બાળકોને પ્રિય તો બને છે પરંતુ સાચા અર્થમાં તે તેનું અહિત પણ કરી રહ્યા છે..! કેમ કે વાસ્તવિક જીવનમાં બધું આટલી સરળતાથી પ્રાપ્ત થવાનું નથી..!


સૌથી સારા દાદા-દાદી એ નથી જે બાળકને માતા-પિતાથી “બચાવે”. સૌથી સારા દાદા-દાદી એ છે જે બાળકને માતા-પિતા સાથે વધુ સારો સંબંધ બનાવવામાં મદદ કરે. માતા જ્યારે કરે કે હવે મોબાઈલ જોવાનું બંધ કરીએ ત્યારે તેના સમર્થનમાં દાદી પણ કહે કે હા બેટા, મમ્મી સાચું કહે છે. ચાલ, આપણે સાથે મળીને કંઈક બીજું કરીએ.મોબાઈલ મૂકી દઈએ. આ એક વાક્ય નહીં પરંતુ કો- પેરેન્ટિંગની પાયાની શરત છે. દાદા-દાદી પાસે જીવનનો એવો અનુભવ હોય છે જે કોઈ પુસ્તકમાં મળતો નથી. પૈસાની કિંમત, ધીરજ, સંબંધોનું મહત્વ, નિષ્ફળતાને સ્વીકારવાની કળા, વ્યક્તિ અને સંબંધોનું સન્માન, મહેનત, સંતોષ આ જીવનમૂલ્યો બાળકના ભવિષ્ય માટે સંજીવની બની શકે છે. પરંતુ એક શરત છે કે, ઉપદેશ ઓછો અને અનુભવ વધુ આપીએ.


સમસ્યા “વહાલ”માં નથી.સમસ્યા અતિશય અને અસંતુલિત વહાલમાં છે. દાદા-દાદી અને માતા-પિતા વચ્ચેનો સૌથી સામાન્ય સંઘર્ષ એ છે કે જ્યારે કોઈ એક પક્ષ એવું કહે છે કે બાળકને કઈ કહેવાનું નહીં. માતા કહે, બેટા, પહેલા હોમવર્ક કર. દાદી કહે, જવા દે, આખો દિવસ ભણે છે. પહેલાં ખાઈ લે. માતા કહે: ચોકલેટ નહીં અને દાદા ચુપચાપ ચોકલેટ આપી દે. માતા કહે: રાત્રે મોબાઇલ નહીં.દાદા કહે: થોડું જોઈ લેવા દે. આવું થવાથી બાળક ખૂબ ઝડપથી સમજી જાય છે કે કયા નિયમ માટે કોની પાસે જવું ? બેવડી સ્થિતિમાં બાળકને નિયમો સમજવામાં મુશ્કેલી પડે છે અને તે ઘણી વાર નિયમને બદલે વ્યક્તિ પ્રમાણે વર્તવાનું શીખી જાય છે. જ્યારે માતા-પિતાની સામે દાદા-દાદીનું પક્ષપાતી રક્ષણ મળે ત્યારે બાળક માટે ગ્રાન્ડ પેરેન્ટિંગ નુકસાનકારક સાબિત થાય છે.


“તારી મમ્મીને તો કંઈ આવડતું જ નથી”,“તારા પપ્પા બહુ કડક છે”, “અમારા સમયમાં આ રીતે બાળકો ઉછેરાતા”,“મારી પાસે આવ, હું તને કંઈ નહીં કહું.”આવા વાક્યો બાળકના મનમાં બે સત્તાકેન્દ્ર ઊભા કરે છે. એક તરફ માતા-પિતા.બીજી તરફ દાદા-દાદી અને બાળક વચ્ચે ઉભું રહે છે. આ સ્થિતિ સમગ્ર પરિવાર માટે સંઘર્ષ અને પડકાર બની શકે છે. ક્યારેક દાદા-દાદીનું વહાલ એટલું રક્ષણાત્મક બની જાય છે કે બાળક પોતાની ભૂલના પરિણામોથી બચી જાય છે. બાળકે વસ્તુ તોડી? “બાળક છે, થઈ ગયું.” બાળકે ભાઈને માર્યો? “બંને બાળકો છે.” બાળકે શિક્ષક સાથે ખરાબ વર્તન કર્યું? “શિક્ષકોએ પણ સમજવું જોઈએ.” દાદા-દાદી દ્વારા આવા સંવાદો થાય ત્યારે ગ્રાન્ડ પેરેન્ટિંગ બાળકના ઉછેરમાં અવરોધરૂપ બને છે.


શીખવા જેવું : આપણું વહાલ બાળકને ભૂલમાંથી બચાવવા માટે નહીં, ભૂલમાંથી શીખવવા માટે હોવુ જોઈએ.


સંદર્ભ સાકાર :-

ડૉ.કૃણાલ પંચાલ

ક્ષણે ક્ષણ શિક્ષણ, ગાંધીનગર સમાચાર

Written By:
RajendraKumar Pandya
ટિપ્પણીઓ
0 ટિપ્પણીઓ
કૃપા કરીને લોગિન ટિપ્પણીઓ પોસ્ટ કરવા માટે.
લોડ થઈ રહ્યું છે...

વધુ બ્લોગ્સ

શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજમાં જોડાઓ

Nice to see you! Please Sign up with your account.