શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજ
Loading...

ડિજિટલ ડિટોક્સનો સામૂહિક પ્રયાસ



આજે આપણે ડિજિટલ યુગમાં જીવી રહ્યા છીએ. તેમાં વધતા જતા સ્ક્રીનટાઈમની સાથે માનસિક તણાવ પણ વધી રહ્યો છે. ઊંઘ પૂરી ન થવાની સાથે સાથે બીજી અનેક શારીરિક સમસ્યાઓનું જોખમ વધી રહ્યું છે. માણસ પરિવાર તથા જગતથી દૂર જઈ રહ્યો છે. તે પોતાનાં કર્તવ્યો સારી રીતે નિભાવી શકતો નથી. જીવનની ઉત્પાદકતા ઘટી રહી છે, પરિવારો તૂટી રહ્યા છે તથા સમાજના માળખા ઉપર પણ વિપરીત અસર થઈ રહી છે. આથી માત્ર વ્યક્તિગત રૂપે જ નહિ, પરંતુ સામૂહિક સ્તરે પણ ડિજિટલ ડિટોક્સની જરૂરિયાત અનુભવાઈ રહી છે.


આવી પરિસ્થિતિમાં મહારાષ્ટ્રના વડગામની ચર્ચા કરવી જરૂરી છે. તેમણે સામુદાયિક સ્તરે ડિજિટલ ડિટોક્સનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. એ ગામમાં સાંજે સાત વાગે સાયરન વગાડવામાં આવે છે. એનો અર્થ એ છે કે બધા લોકોએ પોતાના મોબાઈલ, સોશિયલ મીડિયા, ટી.વી. વગેરે બંધ કરી દેવાં.


ગામના લોકો માટે તે ડિજિટલ ડિટોક્સનો સમય હોય છે. એ વખતે તેઓ લગભગ દોઢ કલાક સુધી ટેકનોલોજીથી દૂર રહીને અધ્યયન, મનન, ચિંતન અને વાર્તાલાપમાં પોતાનો સમય વ્યતીત કરે છે. પોતાના પરિવારના સભ્યો સાથે જીવે છે. દરરોજ સાંજે સાતથી સાડા આઠ સુધી બધા લોકો આ અદ્ભુત સામાજિક અનુશાસનનું પાલન કરે છે. આજે બધા લોકો ડિજિટલ એડિક્શનનો શિકાર થઈ રહ્યા છે અને તેના દુષ્પ્રભાવના નિરાકરણ માટે ઘણા લોકોને ડિજિટલ ડિટોક્સ ક્લીનિકમાં જવું પડે છે. આવી પરિસ્થિતિમાં વડગામનું ઉદાહરણ અનુકરણીય છે.


જો લોકો ઈચ્છે તો એમાંથી પ્રેરણા લઈને પરસ્પર વાતચીત, પારિવારિક આત્મીયતા, અધ્યયન, સામૂહિક પ્રાર્થના વગેરે પ્રવૃત્તિઓ અપનાવીને ડિજિટલ વ્યસનની ખરાબ અસરથી બચી શકે છે. વડગામમાં આ પરંપરાની શરૂઆત કોવિડ લોકડાઉન પછી થઈ હતી. એ વખતે નાના, મોટા, પુરુષ, સ્ત્રી એમ બધાં જ ડિજિટલ ઉપકરણોના વ્યસની બની ગયાં હતાં. બાળકોના અભ્યાસ ઉપર તેની બહુ ખરાબ અસર થઈ રહી હતી અને પારિવારિક સંવાદ પણ લગભગ બંધ થઈ ગયો હતો.


આવી પરિસ્થિતિમાં સામૂહિક રૂપે ડિજિટલ સાધનોથી દૂર રહેવાનો નિર્ણય લેવામાં આવ્યો. આ નિયમનું સારી રીતે પાલન થાય એના માટે દરેક વોર્ડમાં ચેકિંગ માટે ટુકડીઓ પણ બનાવવામાં આવી હતી. સાંજના એ ડિજિટલ વિરામના સમય દરમ્યાન બાળકો તથા વિદ્યાર્થીઓ પોતાનો અભ્યાસ કરે છે. મોટેરાઓ અને વૃદ્ધો પારિવારિક કાર્યો તથા બીજા ઉપયોગી વિષયો પર ચર્ચા કરે છે અને પ્રેરણાદાયક વાર્તાઓ તથા ઉદાહરણો સંભળાવી જ્ઞાનવૃદ્ધિ કરે છે.


આ સમય દરમ્યાન લોકો ગામના ચોરે ભેગા થાય છે અને ગામની સમસ્યાઓ તથા વિકાસના મુદ્દા પર ચર્ચા કરે છે. કેટલાક લોકો ભેગા મળીને રમતો રમે છે, મનોરંજન કરે છે અથવા બીજી કોઈ પ્રવૃત્તિમાં વ્યસ્ત રહે છે. ટૂંકમાં આ રીતે બધા લોકો ડિજિટલ ઉપકરણોથી દૂર રહીને સર્જનાત્મક તથા લોકકલ્યાણની પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહે છે.


સૌથી મહત્ત્વની બાબત એ છે કે આ નિયમોનું પાલન સામૂહિક સહમતીના આધારે કરવામાં આવે છે. એમાં કોઈપણ પ્રકારની જબરદસ્તી કરવામાં આવતી નથી કે કોઈ દંડ પણ કરવામાં આવતો નથી. જો કે આ નિયમનો અમલ થાય એના માટે સ્થાનિક સમિતિઓ સતર્ક રહે છે. એના પરિણામે આ નિયમનું સકારાત્મક પરિણામ જોવા મળ્યું છે.


એના પરિણામ સ્વરૂપે બાળકોના અભ્યાસમાં ઘણો સુધારો થયો છે. પહેલાં બાળકો મોબાઈલ પર મોડી રાત સુધી વીડિયો જોયા કરતાં હતાં. એના બદલે હવે તેઓ સમયસર ઊંઘી જાય છે અને વ્યવસ્થિત રીતે અભ્યાસ પણ કરે છે.


વિશેષજ્ઞોના મત અનુસાર ડિજિટલ વિકાસની સાથે સાથે મોબાઈલના કારણે લાગતા તથા તણાવમાંથી મુક્તિ મળે છે. ઊંઘ સારી આવે છે અને કૌટુંબિક સંબંધોમાં પણ સુધારો થાય છે. વિશેષજ્ઞોનું માનવું છે કે જો આવા નીતિનિયમો સ્વૈચ્છિક હોય અને એમાં મુશ્કેલ સમયની સમસ્યાઓને દૂર કરવાની વ્યવસ્થા હોય તો જ તે સફળ થાય છે. વધારે પડતા કડક નિયમોના બદલે સમયની જરૂરિયાત અનુસાર તેમાં ફેરફાર કરવો શ્રેયસ્કર રહે છે.


આ પ્રયોગ કરવાથી બાળકોના અભ્યાસ તથા પરીક્ષાના પરિણામમાં પણ નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે. પહેલાં બાળકોને સરખી ઊંઘ આવતી ન હતી અને ભણવામાં તેમનું મન લાગતું ન હતું, પરંતુ આ પ્રયોગથી હવે તેઓ એકાગ્રચિત્તે ધ્યાનપૂર્વક અભ્યાસ કરી શકે છે. તેમની સમજશક્તિ તથા યાદશક્તિમાં પણ વધારો થયો છે.


ટી.વી. તથા વીડિયો ગેમ્સ રમવામાં બાળકોનો ઘણો સમય બરબાદ થતો હતો. એના બદલે હવે તેઓ એકાંતમાં બેસીને ધ્યાનપૂર્વક અભ્યાસ તથા સ્કૂલમાંથી આપેલું ગૃહકાર્ય નિયમિત સમયે કરે છે. આ ઉપરાંત તેમના પારિવારિક સંબંધોમાં પણ સુધારો જોવા મળ્યો છે. પહેલાં તેઓ સાંજના સમયે ટી.વી. સિરિયલો જોતાં હતાં, મોબાઈલમાં રમતો રમતાં હતાં અને સોશિયલ મીડિયામાં ઘણો સમય બરબાદ કરતાં હતાં. પરિવારના બધા સભ્યો પોતપોતાના મોબાઈલમાં જ ખોવાયેલા રહેતા હતા, પરંતુ હવે એના બદલે સાયરન વાગતાં જ મોબાઈલ મૂકી દેવામાં આવે છે અને પરિવારના સભ્યો એકબીજા સાથે વાતચીત કરે છે. ઘરનાં કાર્યો બધા હળીમળીને કરે છે. વૃદ્ધો બાળકો સાથે બેસીને આનંદ અનુભવે છે અને તેઓ તેમને વાર્તાઓ સંભળાવે છે તથા બીજી પ્રેરણાદાયક વાતો કહે છે. તેમને એકલતા સાલતી નથી. મહિલાઓ ભેગી થઈને ઘરનાં બધા કામ કરે છે. આ બધાના પરિણામે ઘરમાં લડાઈઝઘડા, કલેશકંકાસ તથા તણાવનું પ્રમાણ ઘટી ગયું છે. લોકો ભાવનાત્મક રૂપે એકબીજાની નજીક આવ્યા છે.


મોબાઈલ તથા ટી.વી. પાછળ બરબાદ થતો સમય ઘટવાથી લોકોને ઊંઘવા માટે પૂરતો સમય મળે છે. એના પરિણામે માનસિક થાક લાગતો નથી. સ્વભાવમાં ઘૂસી ગયેલું ચીડિયાપણું દૂર થઈ ગયું છે. લોકો સવારે ઊઠે ત્યારે તાજગી અને પ્રસન્નતા અનુભવે છે. એના પરિણામે આખો દિવસ તેઓ સંપૂર્ણ તાજગીથી કામ કરી શકે છે. આવા બધા લાભ જોઈને કેટલાક પરિવારોએ તો દર અઠવાડિયે એક દિવસ ડિજિટલ સાધનોનો ઉપયોગ નહિ કરવાનો નિશ્ચય કર્યો છે. પરિવારના બધા સભ્યો સોશિયલ મીડિયાથી દૂર રહે છે.


વડગામનો આ અનુકરણીય પ્રયત્ન પ્રેરણાદાયક ઉદાહરણ બની ગયો છે. જે લોકોને તથા જે પરિવારોમાં બધાને ડિજિટલ સાધનોનું વ્યસન થઈ ગયું હોય તેઓ પોતાની એ કુટેવને છોડવા માટે આમાંથી પ્રેરણા મેળવી શકે છે. આજે મોબાઈલના કારણે બાળકોનું જીવન અને સ્વાસ્થ્ય બંને પર ખરાબ પ્રભાવ પડી રહ્યો છે. તેને દૂર કરવા દરેક પરિવારે પોતાના ઘરમાં પણ વડગામના લોકો જેવો પ્રયોગ અવશ્ય કરવો જોઈએ. એના પરિવારમાં પ્રેમ, એકતા તથા આત્મીયતા વધશે અને દરેક સભ્યને આનંદની અનુભૂતિ થશે.



Written By:
Nirav Jani
ટિપ્પણીઓ
0 ટિપ્પણીઓ
કૃપા કરીને લોગિન ટિપ્પણીઓ પોસ્ટ કરવા માટે.
લોડ થઈ રહ્યું છે...

વધુ બ્લોગ્સ

શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજમાં જોડાઓ

Nice to see you! Please Sign up with your account.