શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજ
Loading...

સર્પદંશ -ડરવાની નહિ, પણ સમયસર અને તાત્કાલિક સારવારની જરૂર



સર્પદંશ: બપોરનો સમય, અગિયાળી ગામના એક વ્યક્તિને સાપ કરડેલો અને તાત્કાલિક 108 માં લઈને હોસ્પિટલ આવી ગયા. દર્દીના સગાઓ ગભરાયેલા અને રડતા હોય એવું ગંભીર વાતાવરણ...

દર્દીનો શ્વાસ ધીમે ધીમે ઓછો થઈ રહ્યો હતો અને આંખો પણ બંધ થવા લાગી હતી, લગભગ અર્ધ બેભાન જેવી અવસ્થા અને ઝેર સંપૂર્ણ પણે શરીર માં ફેલાઈ ગયેલું હતું. પરિસ્થિતિ ખૂબ જ ગંભીર હતી. કોઈ પણ સમયે જીવ જતો રહેશે એવો ડર પણ હતો. આવી કટોકટીના સમયે અમે એમને એવું સમજાવ્યું કે "ચિંતા ન કરો અને ભગવાન પર ભરોસો રાખો, બધું જ સારું થઈ જશે "

હોસ્પિટલ આવ્યાના ફક્ત 3 જ દિવસમાં તેઓ સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા અને ચોથા દિવસે જ એમને રજા આપી દેવામાં આવી. આટલી જલદી જે સફળતા મળી એમાં ડોક્ટર કરતા પણ વધારે મહત્વની જવાબદારી એમના સગાએ નિભાવી. એ કઈ રીતે એ હવે સમજીએ... સાપ કરડ્યા પછી એમણે એક પણ મિનિટ બગાડી નથી. તાત્કાલિક ભાવનગર આવવા નીકળી ગયા અને સૌથી મહત્વ ની વાત એ છે કે તેઓ 108 એમ્બ્યુલન્સમાં આવ્યા અને 108 ના એ સ્ટાફનો પણ આભાર કે જેણે એમ્બ્યુલન્સમાં જ ઝેરના મારણના ઈંજેકશન (ASV) શરૂ કરી દીધા...

જો આ બધી વસ્તુ સમયસર ન થઈ હોત તો એ દર્દી ના શ્વાસ હોસ્પિટલ માં આવ્યા પહેલા જ બંધ થઈ ગયા હોય અને પછી અમે કંઈ પણ કરી શકતા નથી..પણ જો એ દર્દી સમયસર હોસ્પિટલ આવી જાય અને ફક્ત જો શ્વાસ શરૂ હોય તો પછી ડોક્ટરની મહેનત અને ઇશ્વરની કૃપાથી ગમે એવી અઘરી પરિસ્થિતિમાં પણ જીવ બચાવી શકાય છે.

સાપ કરડ્યા પછી શું કરવું એનાથી પણ વધારે મહત્વનું છે કે શું ન કરવું ?

  1. જ્યાં દંશ થયો હોય ત્યાં ચીરા પાડીને લોહી કાઢવાનો પ્રયત્ન
  2. મોઢાથી ઝેર ચુસી લેવાનો પ્રયત્ન
  3. જ્યાં દંશ થયો હોય એની ઉપરના ભાગે એકદમ કસીને દોરી બંધાવી.
  4. સૌથી મોટી ભૂલ ( જેના લીધે અનેક જીવન ખલાસ થાય છે.) :

ઝેર ઉતારવા માટે જવું. શ્રદ્ધા અને અંધશ્રદ્ધામાં ઘણો ફરક છે. ભગવાન પર ભરોસો રાખવો એ એક શ્રદ્ધા છે અને એ હોવી જ જોઈએ. પણ સાથે સાથે વિજ્ઞાનને અને દવાને કામ કરવાનો મોકો પણ આપવો જોઈએ. ઉપર લખેલા બધા પ્રયાસો કરવામાં ખૂબ જ સમય બગડતો હોય છે અને તેથી જ હોસ્પિટલ પહોંચવામાં મોડું થાય છે અને એ જ જીવલેણ બને છે.

સાપ કરડ્યા પછી શું કરવું (1) ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સ: ભલે આપણી પાસે ઘરનું વાહન હોય પણ સર્પદંશના કેસમાં ખાસ 108નો આગ્રહ રાખવો કેમ કે ઘણીવાર 108 માં ઝેરની સામે જે ઝેરનું મારણ આપવાની દવા છે એ ઉપલબ્ધ હોય છે... અને જેટલી વહેલા આ દવા મળશે એટલી જલ્દી રાહત થશે અને જીવ બચવાની શક્યતા વધશે. (2) દર્દીને આશ્વાસન આપો. ગભરાવ બિલકુલ જરૂર નથી.

(૩) શરીરના જે ભાગ પર દંશ થયો છે એને બિલકુલ હલાવવો નહી અને દર્દીએ પણ કોઈ પ્રકારનો શ્રમ કરવો નહી... કેમ કે એનાથી લોહીનું પરિભ્રમણ વધે છે અને ઝેર ઝડપથી ફેલાય છે. સૌથી મહત્વની વાત: એકપણ મિનિટ બગાડ્યા વિના તાત્કાલિક સ્પેશિયાલિસ્ટ ડોક્ટર પાસે પહોંચી જવું.

સર્પદંશ ના લક્ષણો શું હોય?

  1. આંખો ભારે ભારે લાગે અથવા બંધ થવા લાગે
  2. દંશ થયો હોય એ ભાગ સોજી જાય અથવા કાળો પડવા લાગે
  3. શ્વાસ લેવામાં તકલીફ
  4. શરીરના કોઈ પણ ભાગમાંથી લોહી વહેવા લાગે

આપણાને બધાને ખબર છે કે મોટા ભાગના સાપ બિનઝેરી હોય છે... પરંતુ મારું સ્પષ્ટ એવું માનવું છે કે સાપ કરડ્યા પછી એ ઝેરી છે કે બિનઝેરી? લક્ષણો કે કંઈ તકલીફ થાય છે કે નહિ ? એ બધાનો વિચાર કર્યા વિના તાત્કાલિક હોસ્પિટલ પહોંચી જવું જોઈએ... કેમ કે આવા કેસમાં ઘણીવાર શરૂઆતમાં લક્ષણો આવતા નથી અને એક વાર ઝેરની અસર શરૂ થાય તો પછી શ્વાસ બંધ થવામાં વાર લાગતી નથી અને પછી આપણી પાસે અફસોસ કરવા સિવાય કોઈ જ રસ્તો વધતો નથી.

હોસ્પિટલ પહોચ્યા બાદ શું ?

(1) સર્પદંશની સચોટ સારવાર: ASV ( Anti snak venom ) સાપ કરડ્યા બાદ જે ઝેર શરીરમાં ફરે છે એની અસર દૂર કરવા માટે ઝેરનું મારણ (ASV) આપવામાં આવે છે. આ ખૂબ જ સચોટ અને અસરકારક સારવાર છે. અને જો સમયસર આ સારવાર મળી જાય તો પછી બિલકુલ ચિંતા કરવાની જરૂર રહેતી નથી.

(2) ICU અને વેન્ટિલેટરની જરૂરિયાત: હોસ્પિટલ પહોંચવામાં મોડું થાય અથવા તો ઝેરની અસર વધારે હોય એવા સમયે શ્વાસ બંધ થવા લાગે છે અને તાત્કાલિક વેન્ટિલેટર પર લેવા પડે છે આ એક ગંભીર પરિસ્થિતિ છે પણ જો વેન્ટિલેટર પર લીધા પછી પણ વ્યવસ્થિત protocol મુજબ સારવાર કરવામાં આવે તો હજુ પણ આ વ્યક્તિનો જીવ બચાવી શકાય છે.

(3) આધુનિક પદ્ધતિ (હીમોપરફ્યુઝન) નો ઉપયોગ જ્યારે ઝેરની અસર ખૂબ જ વધારે હોય અને ઝેરના મારણવાળી દવા (ASV) પણ ખાસ ફાયદો ન આપે એવા અઘરા કેસમાં ખાસ પ્રકારના ફિલ્ટરનો ઉપયોગ કરીને ડાયાલિસિસ વડે ઝેરને લોહીમાંથી જ ફિલ્ટર કરીને બહાર કાઢી શકાય છે

હવે છેલ્લી વાત... આપણે બધા ઈશ્વરને માનવાવાળા લોકો છીએ અને સ્પષ્ટ એવું માનીએ છીએ કે બધું જ ઈશ્વરની ઈચ્છાથી થાય છે.એટલે જ્યારે આવી કોઈ ગંભીર પરિસ્થિતિ ઉભી થાય ત્યારે ભગવાનને યાદ કરીને પ્રાર્થના તો કરવાની જ છે.પણ સાથે સાથે યોગ્ય નિર્ણય અને તાત્કાલિક સારવાર પણ એટલી જ જરૂરી છે. એટલે હું ફક્ત એટલું જ કહેવા માંગુ છું કે ઇમરજન્સીની આવી પરિસ્થિતિમાં એક પણ મિનિટ બગાડ્યા વગર દર્દીને હોસ્પિટલ પહોંચાડો... અને ત્યાં પહોંચી ગયા પછી ભલે બધી જ માનતા રાખો, ઈશ્વરને પ્રાર્થના કરો... પણ હોસ્પિટલમાં પહોંચતા પહેલા કોઈ પણ વિધિ કરવામાં એક મિનિટનો પણ સમય બગાડવાનો નથી.

ટૂંકી વાત... સર્પદંશના કેસમાં ગભરાવાનું બિલકુલ નથી, સચોટ સારવાર ઉપલબ્ધ છે એટલે જરૂર છે ફક્ત દર્દીને સમયસર યોગ્ય હોસ્પિટલ સુધી લઈ જવાની... એક સાચો નિર્ણય... સાથે ડોક્ટરની મહેનત અને એના ઉપર ઈશ્વરના આશીર્વાદ એટલે જ સફળતા અને એક નવું જીવન...


 

લેખક માહિતી: 

ડૉ. ધનંજય ડી. દવે 

MBBS, MD, IDCCM 

ક્રિટીકલ કેર સ્પેશ્યાલીસ્ટ વેદ આઈસીયુ, ભાવનગર

ટિપ્પણીઓ
1 ટિપ્પણીઓ
કૃપા કરીને લોગિન ટિપ્પણીઓ પોસ્ટ કરવા માટે.
લોડ થઈ રહ્યું છે...

વધુ બ્લોગ્સ

શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજમાં જોડાઓ

Nice to see you! Please Sign up with your account.