લગ્ન માટે સારો દીકરો નથી મળતો ???
લગ્ન માટે સારો દીકરો નથી મળતો ???, પણ બોયફ્રેન્ડ કેવી રીતે મળી જાય છે....????આ એક મહત્વપૂર્ણ અગત્યનો પ્રશ્ન છે ઘણી દીકરીઓને..... આજકાલ ઘણી દીકરીઓના મોઢે આ વાક્ય ચોક્કસ સાંભળવા મળે છે કે, "લગ્ન માટે સારો દીકરો નથી મળી રહ્યો." અને માતા-પિતા પણ આ જ વાતને સમર્થન આપે છે.આ વાક્ય સાંભળતાની સાથે જ મારા મનમાં હંમેશા એક સીધો સવાલ ઊઠે છે કે તો પછી બોયફ્રેન્ડ કેવી રીતે મળી જાય છે ???કારણકે કોલેજથી લઈને ઓફિસ સુધી, બસ સ્ટોપથી લઈને સોશિયલ મીડિયા સુધી, મિત્ર બનાવવાની પ્રક્રિયા ખૂબ જ ઝડપથી ચાલે છે. ફેસબુક પર ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકારવામાં આવે છે, ઇન્સ્ટાગ્રામ પર લાઈક્સની લેવડ-દેવડ થાય છે, વૉટ્સએપ પર ગુડ મોર્નિંગના ફૂલો ખીલે છે અને થોડા જ દિવસોમાં ફક્ત "મિત્ર" શબ્દ "સ્પેશિયલ ફ્રેન્ડ" સુધી પહોંચી જાય છે. આ વાત એકદમ સત્ય હકીકત છે, આપ પણ સ્વીકારશો જ.....ત્યારે કોઈ ઊંચાઈ નથી માપતું, અભ્યાસ નથી મહત્વનો, દેખાવ નથી મહત્વનો, સેલેરી સ્લિપ નથી માંગતું, બેંક બેલેન્સ નથી ચેક કરતું કે પોતાનું ઘર છે કે નહીં, એવી પૂછપરછ પણ નથી કરતું. કેમ ???પરંતુ જે ક્ષણે લગ્નસંબંધની વાત પોતાની જ જ્ઞાતિમાં નીકળે છે, ત્યારે જ અચાનક બધા માપદંડો જાગી જાય છે કે,દીકરાની ઉંચાઈ સરખી હોવી જોઈએ,બંનેનો અભ્યાસ સરખો હોવો જોઇએ,સેલેરી મોટી હોવી જોઈએ,પોતાનું ઘર હોવું જોઈએ,ચાર પૈડાવાળી ગાડી (કાર) જોઈએ,આદતો સારી હોવી જોઈએ,કોઈ વ્યસન ના હોવું જોઈએ,સાસુ-સસરા સમજદાર હોવા જોઈએ,પરિવાર નાનો હોય, બને ત્યાં સુધી સાથે કોઈ ના રહેતું હોય,ઘરના તમામ કામ કરવા માટે નોકર હોવા જોઈએ,પહેરવા ઓઢવાની, હરવા-ફરવાની અને મોડા ઉઠવાની પૂર્ણ સ્વતંત્રતા હોવી જોઈએ,સંબંધ ઘરની આસપાસ જ (જ્યારે આજે પૂરતા સાધનો છે, અંતર કોઈ મહત્વ નથી રાખતું) 50 થી 100 કિલોમીટરમાં જ જોઈએ,અને સૌથી મહત્વની વાત દીકરો હેન્ડસમ હોવો જોઈએ.એટલે કે સીધા શબ્દોમાં કહીએ તો બોયફ્રેન્ડ માટે દિલ ચાલે છે અને પતિ માટે હિસાબ.પ્રેમમાં લાગણીઓ હોય છે, પરંતુ લગ્નમાં જવાબદારીઓ હોય છે. બોયફ્રેન્ડ પસંદ કરતી વખતે અવારનવાર વર્તમાન જોવામાં આવે છે, પરંતુ પતિ પસંદ કરતી વખતે ભવિષ્ય જોવામાં આવે છે. એટલા માટે પ્રેમ માટે યોગ્ય લાગતી વ્યક્તિ જીવનભરના સાથ માટે પણ યોગ્ય લાગે એ જરૂરી નથી.આજની મૂળ સમસ્યા "સારો પતિ નથી મળી રહ્યો" તે નથી, પરંતુ "પરફેક્ટ પતિ શોધવાનો ટ્રેન્ડ" છે. પરફેક્ટ માણસ આ દુનિયામાં ક્યાંય નથી. દરેકેદરેક વ્યક્તિમાં ગુણ અને અવગુણ બંને સમાયેલા જ હોય છે અને કેટલીક ખામીઓ પણ હોય છે.સંસાર ગુણોના પ્રદર્શન પર નથી ચાલતો, પરંતુ ખામીઓના સ્વીકારભાવ પર ચાલે છે.ક્યારેક જે લોકો એટલે કે દીકરી અને એનાં માતા-પિતા એમ કહે છે કે સારા દીકરા નથી મળતા, તો તેમણે પોતાને પણ એક સવાલ પૂછવો જોઈએ - "હું દીકરી જે ગુણોવાળો પતિ શોધી રહી છું, તે ગુણો મારામાં કેટલા છે ??? આપણું પોતાનું સ્તર શું છે, જે આપણે સામેવાળાનું સ્તર જોવાનો પ્રયત્ન કરીએ છીએ ???"કારણ કે સંબંધ એ ખરીદ વેચાણનો સોદો નથી. એ બે વ્યક્તિ એકબીજાના સુખ-દુઃખમાં જીવનભર સાથે ઊભા રહેવાનો મૌલિક કરાર છે.આજના સમયમાં એક ખાસ અજીબ બાબત જોવા મળે છે, બોયફ્રેન્ડ શોધતી વખતે આપણે હસતો ચહેરો જોઈએ છીએ, પરંતુ પતિ શોધતી વખતે બેંક બેલેન્સ, મકાન અને પ્રોપર્ટી જોઈએ છીએ, કેમ ??? પ્રેમમાં સ્વભાવ કરતાં આકર્ષણ વધુ મહત્વનું લાગે છે, તો લગ્નમાં માણસ કરતાં તેની સ્થિતિ. પછી પાછળથી ફરિયાદ કરવામાં આવે છે કે સારા લોકો નથી મળતા. સાચું તો એ છે કે સારા લોકો આજે પણ છે, પરંતુ તેમને જોવાનો આપણો દ્રષ્ટિકોણ શું છે એ આપણે જ ખુદ નથી વિચારતાં.જેની પાસે મોંઘી ગાડી નથી, પણ દિલ મોટું છે, તે અવારનવાર નજરઅંદાજ થઈ જાય છે.જેની પાસે પોતાનું ઘર નથી, પરંતુ જવાબદારીનો અહેસાસ છે, તેને તક જ નથી મળતી.અને પછી વર્ષો સુધી "યોગ્ય પાત્ર" શોધવાની સફર ચાલતી જ રહે છે. સારું પાત્ર અને સારું ઘર શોધતા રહે છે અને આ ચક્કરમાં ઉંમર 40ને પાર નીકળી જાય છે.અંતમાં બસ એટલું જ કહેવાનું કે...બોયફ્રેન્ડ મેળવવો સરળ હોય છે, કારણ કે ત્યાં સપના વેચવામાં આવે છે. પતિ મેળવવો મુશ્કેલ લાગે છે, કારણ કે ત્યાં જવાબદારીભરી જીંદગી જીવવાની હોય છે. સપનાઓમાં ભૂલો ચાલી જાય છે, પરંતુ સંસારમાં હકીકત સ્વીકારવી પડે છે અને આપણી જવાબદારીઓ પણ નિભાવવી પડે છે.એટલા માટે સારો પતિ શોધવા કરતાં સારો માણસ ઓળખતા શીખો. કારણ કે સુખી સંસાર ચહેરાથી, સેલેરીથી કે ગાડીથી નથી ટકતો, એ ભરોસા, સ્વભાવ, સમજદારી, સહનશીલતા, પરસ્પર સન્માનથી ટકે છે.અને એટલે જ ફરી એ જ સવાલ આવે છે કે "સારો પતિ ક્યાં મળશે ???" એવું ના હોવું જોઈએ, બલ્કે "સારો માણસ ઓળખવાની આપણી નજર કેટલી સારી છે ???" એ હોવું જોઈએ. જો આ સવાલ સમજાઈ જશે, તો કદાચ ઘણા માતાપિતાની અને દીકરીઓની પતિ શોધવાની સમસ્યા આપોઆપ ઉકેલાઈ જશે.સૌથી મોટી સામાજિક વિટંબણા...
6 કલાક પેહલા
વૃક્ષ એક જીવંત દેવતા
વૃક્ષોને આપણા ઋષિમુનિઓએ જીવતા જાગતા દેવો કહ્યા છે. વૃક્ષો વાતાવરણને સુંદર, સુગંધિત અને શીતળ બનાવી દે છે. તેમના સાંનિધ્યમાં સ્વર્ગીય આનંદનો અનુભવ થાય છે અને મનને શાંતિ મળે છે. પ્રકૃતિ મનુષ્યને ઉદાર બનાવે છે. હરિયાળાં વૃક્ષો આપણને સુખદ છાયા અને શીતળતાની સાથે સાથે બીજા પણ અમૂલ્ય ઉપહારો આપે છે. પ્રકૃતિએ આપણને ઘણું બધું આપ્યું છે, પરંતુ તેમાં વૃક્ષોનું સ્થાન સર્વોપરી છે. વૃક્ષો ચિરંતનકાળથી જ માણસના સાચા સાથી રહ્યાં છે. તેમની છાયામાં બેસીને માણસ પોતાનો થાક દૂર કરે છે અને તેમનાં ફળો ખાઈને પોતાની ભૂખને શાંત કરે છે, આથી વૃક્ષોને મનુષ્યનો આશ્રયદાતા માનવામાં આવે છે. વૃક્ષો ધરતીની શોભા વધારે છે. તેમના પર ખીલતાં રંગબેરંગી ફૂલો ચારેય બાજુ સૌંદર્ય વિખેરે છે અને વાતાવરણને સુગંધિત બનાવે છે. જો પૃથ્વી પર વૃક્ષો ન હોય તો પૃથ્વી સ્મશાન જેવી ડરામણી અને ભયંકર લાગે. વળી વૃક્ષોના લીધે જ વરસાદ પડે છે, તો બીજી બાજુ વરસાદના કારણે જ ધરતી પર હરિયાળી છવાઈ જાય છે. વૃક્ષો જ પોતાની હરિયાળીના કારણે વાતાવરણને જીવંત અને ખુશનુમા બનાવી દે છે.આપણી સનાતન સંસ્કૃતિમાં વૃક્ષોને દેવતા માનવામાં આવ્યાં છે. એનું કારણ એ છે કે તેઓ ઑક્સિજનના રૂપમાં આપણને નવજીવન આપે છે. આથી જો વાતાવરણને પ્રદૂષણમુક્ત રાખવું હોય તો વૃક્ષોનું રક્ષણ કરવું તે આપણો ધર્મ બની જાય છે. વૃક્ષોની સર્વ રીતે ઉપયોગિતા જોઈને જ પુરાતનકાળથી આપણા ઋષિમુનિઓએ વૃક્ષોને દેવતા કહ્યાં છે. વૃક્ષોની છાયામાં બેસીને જ આપણા ઋષિમુનિઓએ અમૂલ્ય ગ્રંથોની રચના કરી હતી. વૃક્ષોની નીચે બેસીને જ તેમણે ઉગ્ર તપશ્ચર્યા પણ કરી હતી. વૃક્ષોના સાંનિધ્યમાં જ તેમણે વિકાસ સાધ્યો હતો. આથી વૃક્ષો પ્રત્યે આજે પણ મનુષ્યના મનમાં અપાર શ્રદ્ધાનો ભાવ રહેલો છે. દેવી દેવતાઓની પૂજા પણ વૃક્ષોનાં ફૂલો તથા પાનથી કરવામાં આવે છે. દેવાલયોની આસપાસ વૃક્ષો ઉછેરવાની પરંપરા રહી છે, જેથી મંદિરનું વાતાવરણ વધારે શાંત તથા શીતળ રહે. વૃક્ષોની નીચે બેસીને જ ઋષિમુનિઓ તથા દેવતાઓએ પરમજ્ઞાન પ્રાપ્ત કર્યું હતું.પુરાણોમાં તથા બીજાં અનેક શાસ્ત્રોમાં અને આપણા વેદોમાં વૃક્ષો તથા વનસ્પતિઓનું વર્ણન જોવા મળે છે. વડ તથા પીપળા જેવાં વૃક્ષોને દેવ માનીને તેમની પૂજા કરવામાં આવે છે. પુરાતનકાળમાં સોમની ઉપાસના કરવામાં આવતી હતી. ઋગ્વેદમાં તે રહસ્યમય, મતિભ્રમ કરનારી જડીબુટ્ટીનો ઉલ્લેખ આવે છે. સોમ છોડ પણ છે અને દેવતા પણ છે. સોમવેલને વાટીને તેનો રસ કાઢીને અમુક ખાસ અનુષ્ઠાનમાં તે અગ્નિને સમર્પિત કરવામાં આવે છે, જેથી ઈન્દ્રદેવનું આવાહન કરીને તેમને શાંત કરી શકાય.અથર્વવેદમાં આપણે દર્ભ, ધરો (દૂર્વા) જવ વગેરેની ઉપાસના થતી જોઈ શકીએ છીએ. આજે હજારો વર્ષો પછી પણ પૂજા તથા યજ્ઞોમાં ચોખા તથા જવનો ઉપયોગ થાય છે. વૈદિકકાળની જંગલની દેવી અરણ્યાને આજે પણ ગામડાના લોકો વનદેવી કે વનચંડીના રૂપમાં પૂજે છે. સુંદરવનમાં રહેતા મુસલમાનો તેને વાનબીબીના રૂપમાં પૂજે છે. કળામાં શાલભંજિકાની છબી સૌથી વધારે લોકપ્રિય છે. એ ચિત્રમાં એક સ્ત્રીને સાલ કે અશોક વૃક્ષની એક ડાળખી ધારણ કરેલી બતાવવામાં આવે છે. બુદ્ધને જન્મ આપતી વખતે તેમની માતાએ પણ એ જ મુદ્રા ધારણ કરી હતી. આમ બૌદ્ધો માટે પણ વૃક્ષો પૂજનીય હતાં. બુદ્ધે પીપળાના વૃક્ષ નીચે તપ કરીને જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. ભગવાન મહાવીરે સાલના વૃક્ષ નીચે મોક્ષ પ્રાપ્ત કર્યો હતો. પહેલા તીર્થંકર ઋષભદેવ માટે બોર પૂજનીય છે.હિંદુ તપસ્વીઓ મોટાભાગે વડની નીચે બેસીને તપ કરતા જોવા મળે છે. હિંદુધર્મમાં પીપળાનું પણ વિશેષ મહત્ત્વ છે. પીપળાને વૃક્ષોનો રાજા કહેવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર વૃક્ષોમાં બધાં દેવીદેવતાઓનો અને આપણા પિતૃઓનો વાસ માનવામાં આવ્યો છે. પીપળાને વિષ્ણુ ભગવાનનું જીવંત સ્વરૂપ માનવામાં આવે છે. શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું છે કે વૃક્ષોમાં હું પીપળો છું. પુરાણો અનુસાર પીપળાના મૂળમાં બ્રહ્માજી, મધ્યમાં ભગવાન વિષ્ણુ અને ઉપરના ભાગમાં ભગવાન શિવનો વાસ હોય છે. શાસ્ત્રો અનુસાર પીપળાની વિધિપૂર્વક પૂજા કરવાથી બધા દેવતાઓની પૂજા થઈ જાય છે. પીપળાને આટલું બધું મહત્ત્વ આપવાનું કારણ એ છે કે પીપળો ચોવીસેય કલાક ઑક્સિજન આપે છે.નવરાત્રી દરમ્યાન બધી વનસ્પતિઓની માતા શાકંભરીના રૂપમાં દુર્ગામાતાની પૂજા કરવામાં આવે છે. નવરાત્રીમાં જે નવ દેવીઓની પૂજા કરવામાં આવે છે તે વાસ્તવમાં ઔષધીય ગુણોવાળા અને સ્ટાર્ચથી ભરપૂર છોડ છે. તે નવ છોડ છે - કેળ, હળદર, દાડમ, બીલી, ડાંગર, અશોક, જયંતી, અરુમ અને અળવી. આ નવ છોડને અપરાજિતા વેલથી બાંધવામાં આવે છે. મહારાષ્ટ્રમાં દશેરા પર આપ્ટાનાં પાન વહેંચવામાં આવે છે કારણ કે તે સોનાના સિક્કા જેવાં દેખાય છે. તે સમૃદ્ધિનું પ્રતીક છે. આપ્ટા એક ઔષધીય છોડ છે. તે ખૂબ ઉપયોગી છે.મા દુર્ગા પહેલાં ભગવાન ગણેશજીની પૂજા થાય છે. તેમની પૂજામાં ૨૧ છોડનાં પાન ચઢાવવામાં આવે છે - સમડો, ભૃંગી, બીલી, ધરો, બોરડી, ધતૂરો, તુલસી, સીમળો, અપામાર્ગ, કંટકારી, સિંદુર, તેજપત્ર, અગસ્ત્ય, કરેણ, કદલી, આકડો, અર્જુન (સાદડ), દેવદાર, ગંડારી, મરુઆ અને કેતકી. આમાંના મોટાભાગના ઔષધીય છોડ છે, તો કેટલાક ઝેરી પણ છે. આજે પૂજામાં નારિયેળ, સોપારી તથા નાગરવેલનાં પાન વપરાય છે. દક્ષિણ ભારતમાં સાપ અને દેવીઓ સાથે જોડાયેલા ચંદન, આમલી અને લીમડાનાં વૃક્ષોવાળા બગીચા હોય છે. આ બધા પરથી સ્પષ્ટ થાય છે કે પ્રાચીન ભારતમાં વૃક્ષ વનસ્પતિને ખૂબ મહત્ત્વ આપવામાં આવતું હતું.વડના વૃક્ષ નીચે ભગવાન બુદ્ધને બુદ્ધત્વની પ્રાપ્તિ થઈ હતી, એટલે તેને બોધિવૃક્ષ પણ કહેવામાં આવે છે. વડની નીચે સાવિત્રીએ સત્યવાનને યમરાજના પાશમાંથી મુક્ત કરાવ્યો હતો.ભગવાન શિવ મોટાભાગે વટવૃક્ષની નીચે સમાધિ લગાવે છે, તેથી વડને ભગવાન શિવનું પ્રતીક માનવામાં આવે છે. વડ તેની વિશાળતાના કારણે વિશ્વમાં પ્રસિદ્ધ છે. પરાશર મુનિએ ‘વટમૂલે તપોવાસઃ’ કહીને વડની મહત્તા તથા પવિત્રતા બતાવી છે. તેમના મતે વડમાં ત્રણ દેવો - બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનો વાસ છે. ભારતીય સંસ્કૃતિમાં વડ ઉપરાંત તુલસી, લીમડો, બીલી, આમળાં, અશોક, આંબો, ખાખરો, સમડો, કેળ વગેરે વૃક્ષોને પણ પવિત્ર માનવામાં આવે છે.જ્યોતિષશાસ્ત્રમાં નવગ્રહો અને સત્યાવીસ નક્ષત્રોનો ઉલ્લેખ છે. જન્મતિથિ અનુસાર માણસ પર તે નવગ્રહોનો પ્રભાવ પડે છે. આપણા શરીરમાં જે સૂક્ષ્મચક્રો, ગ્રંથિઓ તથા મુખ્ય ઊર્જાકેન્દ્રો છે તેમના માધ્યમથી આ ગ્રહો તથા નક્ષત્રોની ઊર્જા આપણા શરીરમાં પ્રવેશે છે. જે રીતે નવ ગ્રહો અને નક્ષત્રોના વિશેષ મંત્રો, રત્નો તથા રંગ હોય છે એ જ રીતે તેમના સંબંધિત વૃક્ષો પણ હોય છે, જેમ કે સૂર્ય - બીલી, ચંદ્ર - ખાખરો, મંગળ-ખેર, બુધ - અઘેડો, ગુરુ-પીપળો, શુક્ર-ઉમરડો, શનિ - શમી તથા મંદાર, રાહુ - ધરો તથા ચંદન, કેતુ - દર્ભ તથા અશ્વગંધા.બધાં વૃક્ષોમાં પીપળો એક એવું વૃક્ષ છે, જેને કોઈ સડો લાગતો નથી. હિંદુ ધર્મમાં પીપળાનું વૃક્ષ કાપવાને પાપ માનવામાં આવ્યું છે. તે ચોવીસેય કલાક ઑક્સિજન આપે છે.બીલીનાં પાન ભગવાન શિવને અત્યંત પ્રિય છે, આથી તેમને પ્રસન્ન કરવા માટે બિલ્વપત્ર ચડાવવામાં આવે છે. બિલ્વપત્રનો મહિમા ગાતું બિલ્વાષ્ટકમ્ સ્તોત્ર પણ છે. એમાં તેના આધ્યાત્મિક ગુણોનું વર્ણન છે. બીલું પેટને લગતાં રોગોમાં ખૂબ ઉપયોગી છે. સતીએ ભગવાન શંકરને પ્રસન્ન કરવા હરિદ્વારમાં આવેલા બિલ્વકેશ્વર મંદિરમાં બિલ્વપત્રોથી પૂજા કરી હતી.આંબો બધાને અત્યંત પ્રિય વૃક્ષ છે. કેરીને ફળોનો રાજા કહેવામાં આવે છે. પંચામૃતમાં હરિપ્રિયા તુલસી અનિવાર્ય છે. તે અનેક રોગોમાં ઉપયોગી છે અને પર્યાવરણને શુદ્ધ કરે છે, આથી દરેક હિંદુના ઘેર તુલસીનો છોડ જોવા મળે છે અને સવારસાંજ તેનું પૂજન પણ કરવામાં આવે છે.
19 કલાક પેહલા